ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આક્ષેપ બાદ શાસક પક્ષનો ઉગ્ર વિરોધ; લોકસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત
નવી દિલ્હી: એન્ટી પેપર લીક સુધારા બિલ પર લોકસભામાં બીજા દિવસે ચર્ચા દરમિયાન ભારે રાજકીય ઘર્ષણ સર્જાયું હતું. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક વિરોધી આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આક્ષેપ કરતાં શાસક અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આંદોલનકારીઓ સામે થયેલી કડક કાર્યવાહી અને ગોળીબાર જેવા નિર્ણયો ગૃહમંત્રીના આદેશથી લેવાયા હતા. આ નિવેદન સામે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ સહિત શાસક પક્ષના સભ્યોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો અને રાહુલ ગાંધી પાસેથી પુરાવા રજૂ કરવા અથવા માફી માંગવાની માંગ કરી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને તથ્ય આધારિત નિવેદન આપવા તાકીદ કરી હતી. ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.
ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ નીટ પેપર લીક, વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને શિક્ષણ વ્યવસ્થા અંગે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સાથે થયેલી કાર્યવાહી લોકશાહી માટે ચિંતાજનક છે અને શિક્ષણ વ્યવસ્થામાં મૂળભૂત સુધારાની જરૂર છે.
બીજી તરફ શાસક પક્ષે રાહુલ ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાયેલા કેટલાક શબ્દો અને ગૃહમંત્રી સામેના આક્ષેપોને અસંસદીય ગણાવી કડક વાંધો ઉઠાવ્યો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે પુરાવા વગર આવા ગંભીર આરોપો સ્વીકાર્ય નથી અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
હોબાળા બાદ લોકસભા અધ્યક્ષના કાર્યાલયમાં શાસક પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. રાહુલ ગાંધી સામે સંસદીય નિયમો મુજબ આગળની કાર્યવાહી અંગે ચર્ચા થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.









