રિઝર્વેશન કાઉન્ટર પર ભીડ અને ધક્કામુક્કી ઘટાડવા નવી વ્યવસ્થા અમલમાં; ટોકન મુજબ મળશે ટિકિટ બુકિંગનો વારો
નવી દિલ્હી: રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે 1 ઓગસ્ટથી નવી ટોકન સિસ્ટમ અમલમાં આવશે. ભારતીય રેલવે દ્વારા કાઉન્ટર પર વધતી ભીડ અને લાંબી કતારોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી વ્યવસ્થા મુજબ તત્કાલ ટિકિટ માટે આવતા મુસાફરોને સૌપ્રથમ ટોકન આપવામાં આવશે. ત્યારબાદ ટોકન નંબરના ક્રમ પ્રમાણે મુસાફરોને કાઉન્ટર પર બોલાવી તેમની ટિકિટ બુક કરવામાં આવશે.
રેલવેના જણાવ્યા અનુસાર આ સિસ્ટમથી ધક્કામુક્કી, લાંબી લાઈનો અને અવ્યવસ્થા ઘટાડવામાં મદદ મળશે, તેમજ ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનશે.
નવી ટોકન વ્યવસ્થાથી મુસાફરોને વારંવાર કાઉન્ટર પાસે ઊભા રહેવાની જરૂર નહીં પડે. ટોકન મળ્યા બાદ તેઓ પોતાના નંબરની રાહ આરામથી જોઈ શકશે, જેના કારણે તત્કાલ ટિકિટ બુકિંગનો અનુભવ વધુ સરળ બનવાની અપેક્ષા છે.








