ચંબા, કાંગડા, મંડી, શિમલા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી; 1 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત
શિમલા: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલ્ટો આવ્યો છે. મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થતાં ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની આગાહી સાથે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગે ચંબા, કાંગડા, મંડી, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં જળસ્તર વધવાની સાથે પૂર અને ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે.
રાજધાની શિમલામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સ્થાનિક પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા સૂચના આપી છે. કુલ્લુ જિલ્લામાં પણ આખી રાત ભારે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના અનુમાન મુજબ 1 ઓગસ્ટ સુધી સમગ્ર હિમાચલ પ્રદેશમાં વ્યાપક વરસાદી માહોલ યથાવત રહેશે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે.









