દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ; રાજ્યના 206 જળાશયોમાં જળસંગ્રહમાં સતત વધારો
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બનતાં વરસાદનો આંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાયો છે, જેના પરિણામે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી રહી છે અને જળસંગ્રહની સ્થિતિ વધુ મજબૂત બની છે.
પ્રાદેશિક આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 6.32 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 22.15 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 35.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 38.68 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 206 જળાશયોમાં હાલ કુલ 43.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 68.33 ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે 10 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે.
જળાશયોની સ્થિતિ મુજબ 24 જળાશયો 70થી 100 ટકા, 22 જળાશયો 50થી 70 ટકા, 50 જળાશયો 25થી 50 ટકા અને 100 જળાશયો 25 ટકા સુધી ભરાયેલા છે.
વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને રાજ્યના 15 જળાશયો હાઈ એલર્ટ, 5 જળાશયો એલર્ટ અને 4 જળાશયો વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા તમામ જળાશયો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








