નવી દિલ્હી: નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હવે દેશવ્યાપી બન્યું છે. દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલા વિરોધના પડઘા મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સંભળાયા છે. વિદ્યાર્થીઓની સાથે હવે વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ પણ ખુલ્લેઆમ સમર્થનમાં આગળ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ, જાણીતા સમાજસેવક અન્ના હજારે પણ આંદોલનમાં જોડાઈ શકે તેવી ચર્ચા છે.
દિલ્હીમાં સુરક્ષાના ભાગરૂપે જંતર-મંતર આસપાસ 16 મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસે 500 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી 40 જેટલા લોકોને કસ્ટડીમાં લીધા છે.
આંદોલનને પગલે દેશના અનેક શહેરોમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આંદોલનકારીઓએ સરકાર પાસે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ફરી દોહરાવી છે.









