વડોદરા LCBનો મોટો દરોડો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ₹69 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દારૂ ભરેલો આઇસર ટ્રક છોડીને ચાલક ફરાર; કુલ ₹84 લાખનો મુદ્દામાલ કબજે, પોલીસ તપાસ તેજ

વડોદરા: ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દરોડો પાડી પોલીસે વિદેશી દારૂથી ભરેલો આઇસર ટ્રક ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ₹69 લાખની કિંમતનો દારૂ તેમજ ટ્રક સહિત કુલ ₹84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, LCBને ચોક્કસ બાતમી મળતા ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ આઇસર ટ્રકને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે પોલીસને જોઈ ટ્રક રસ્તા પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.

ટ્રકની તપાસ દરમિયાન અંદરથી વિદેશી દારૂની 1,152 પેટી મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો અને વાહન કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર મામલે ભાદરવા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટ્રકના ફરાર ચાલક તેમજ દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

ગેરકાયદેસર દારૂના સપ્લાય ચેઇન સામેની આ કાર્યવાહી વડોદરા LCB માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें