સોનગઢ ચેકપોસ્ટ નજીક ઇનોવા કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ; લાકડા ભરેલી કારનો પીછો કરતી વખતે સર્જાઈ દુર્ઘટના
તાપી: જિલ્લામાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી રોકવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વન વિભાગને મોટો આઘાત પહોંચ્યો છે. લાકડા ભરેલી શંકાસ્પદ કારનો પીછો કરતી વખતે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ ગંભીર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં ઇનોવા કારના ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અંગેની બાતમીના આધારે વન વિભાગની ટીમ કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ વાહનનો પીછો કરતી ઇનોવા કાર સોનગઢ ચેકપોસ્ટ નજીક એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે RFO વિકાસ દેસાઈ અને કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ, લાકડા ચોરીમાં સંડોવાયેલા વાહન અને સંબંધિત શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીના દુઃખદ અવસાનથી વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે ગેરકાયદેસર લાકડાની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.









