દેવીપુરની બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક પાછળ ઘૂસી; તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ સારવાર હેઠળ
હળવદ: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા નજીક આજે સવારે સ્કૂલ બસ અકસ્માતનો ભોગ બનતા 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, દેવીપુર સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી ત્યારે ચરાડવા નજીક આગળ જઈ રહેલા ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 6 વિદ્યાર્થીઓને ચરાડવા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વધુ ઇજા પહોંચેલા 2 વિદ્યાર્થીઓને મોરબીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ વિદ્યાર્થીઓને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ કરી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે બસને આગળના ભાગે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.









