ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારો: રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ લાખો જમીનધારકોને મોટી રાહત

1948થી થયેલા ટુકડા ધારાના તમામ ભંગ દંડ વિના નિયમિત થશે; સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં

ગાંધીનગર: ગુજરાતમાં 75 વર્ષથી અમલમાં રહેલા ટુકડા ધારા-1947માં રાજ્ય સરકારે કરેલા મહત્વપૂર્ણ સુધારાને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતો, જમીનધારકો અને મિલકતધારકોને મોટી રાહત મળશે.

નવી જોગવાઈ અનુસાર 1948થી અત્યાર સુધી ટુકડા ધારાના ભંગ હેઠળ આવેલા તમામ કેસો હવે કોઈપણ પ્રકારની પેનલ્ટી વિના નિયમિત કરવામાં આવશે. વર્ષોથી અટવાયેલા હજારો જમીન સંબંધિત કેસોના નિરાકરણનો માર્ગ હવે સરળ બનશે.

સુધારા બાદ સમગ્ર ગુજરાતમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં આવશે, જ્યારે શહેરી વિસ્તારોને ટુકડા ધારાની જોગવાઈમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે. પરિણામે શહેરોમાં જમીનના વિકાસ, બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવી ગતિ મળશે.

આ નિર્ણયથી બિનખેતી (NA) મંજૂરી પ્રક્રિયા, બાંધકામની મંજૂરી તેમજ જમીનની ખરીદી-વેચાણની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. વર્ષોથી ચાલતા કાયદાકીય વિવાદો, વહીવટી અવરોધો અને અનાવશ્યક વિલંબમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.

સરકારનું માનવું છે કે સ્થાનિક સ્તરે જમીન સંબંધિત ગૂંચવણો દૂર થતાં વિકાસકાર્યોને વેગ મળશે અને ખેડૂતો તેમજ જમીનધારકોને લાંબા સમયથી ભોગવવી પડતી મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. આ સુધારો રાજ્યના કૃષિ, આવાસ અને ઔદ્યોગિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Comment

और पढ़ें