રજાઓ માટે સ્વદેશ આવેલા લોકો પરત ન ફરી શક્યા; કારણ સ્પષ્ટ નહીં, બાંગ્લાદેશ સરકારે રાજદ્વારી સ્તરે સમીક્ષાની માંગ કરી
ઢાકા: સંયુક્ત આરબ અમીરાતે 4,000થી વધુ બાંગ્લાદેશીઓના વિઝા રદ કરી દીધા હોવાના અહેવાલથી મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રજાઓ ગાળવા બાંગ્લાદેશ આવેલા અનેક લોકો હવે યુએઈમાં પોતાના કામકાજ અને વ્યવસાય પર પરત ફરી શકતા નથી. બાંગ્લાદેશી અહેવાલો મુજબ વિઝા રદ થયેલા લોકોની સંખ્યા બાદમાં વધીને આશરે 4,800 થઈ હોવાનું મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે.
વિઝા રદ કરવાની નોટિસ ઘણા લોકોને કોઈ પૂર્વચેતવણી વિના ઈ-મેઇલ અથવા મોબાઇલ મેસેજ મારફતે મળી હતી. જોકે, નોટિસમાં વિઝા રદ કરવાનું ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નહોતું. બાંગ્લાદેશ સરકારે આ મુદ્દો યુએઈ સમક્ષ રાજદ્વારી સ્તરે ઉઠાવી વિઝા રદ કરવાની કાર્યવાહી અંગે સમીક્ષા કરવાની વિનંતી કરી છે.
27 વર્ષથી યુએઈમાં રહેતા વ્યક્તિનો પણ વિઝા રદ
અસરગ્રસ્ત લોકોમાં અબુલ કલામ આઝાદનો પણ સમાવેશ થાય છે. તેઓ 27 વર્ષથી યુએઈમાં રહેતા હતા. તેઓ 7 એપ્રિલે રજાઓ માટે બાંગ્લાદેશ આવ્યા હતા અને 24 જુલાઈએ તેમને ઈ-મેઇલ મળ્યો હતો કે તેમનો વિઝા રદ કરી દેવામાં આવ્યો છે. ઈ-મેઇલમાં વિઝા રદ કરવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું.
7 સપ્ટેમ્બરે ઢાકાની નેશનલ પ્રેસ ક્લબ ખાતે આશરે 350 અસરગ્રસ્ત બાંગ્લાદેશીઓ એકત્ર થયા હતા અને સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે પુનર્વસન અને આર્થિક સહાય સહિતની પાંચ મુદ્દાની માંગણીઓ રજૂ કરી હતી. જો યુએઈ પરત ફરવાની મંજૂરી ન મળે તો અન્ય દેશોમાં રોજગારીની તકો ઊભી કરવા સરકાર મદદ કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
વિઝા રદ થવાનું કારણ શું?
સામૂહિક રીતે વિઝા રદ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સેન્ટર ફોર નોન-રેસિડન્ટ બાંગ્લાદીના ચેરમેન એમ.એસ. શેકિલ ચૌધરીના જણાવ્યા મુજબ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુએઈમાં વિઝા, દસ્તાવેજો અને અન્ય બાબતોની તપાસ વધુ કડક બની છે. સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને સુરક્ષા સંબંધિત બાબતો પણ વધુ તપાસ હેઠળ આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, આમાંથી કોઈ એક કારણને વિઝા રદ થવાનું સીધું કારણ ગણાવી શકાય નહીં, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
બાંગ્લાદેશના પ્રત્યાવાસી કલ્યાણ અને વિદેશી રોજગાર રાજ્યમંત્રી નુરુલ હક નુરે પણ આ મામલે સરકાર વાકેફ હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ અનેક અસરગ્રસ્ત લોકોના યુએઈમાં વ્યવસાય અને દુકાનો છે અને મામલો રાજદ્વારી રીતે ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
યુએઈમાં 12 લાખથી વધુ બાંગ્લાદેશીઓ
યુએઈમાં 12 લાખથી વધુ બાંગ્લાદેશીઓ રહે છે. છેલ્લા પાંચ દાયકામાં યુએઈ બાંગ્લાદેશી પ્રવાસી કામદારો માટેનું મહત્વનું ગંતવ્ય બન્યું છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં નોકરી ઉપરાંત વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. તેથી વિઝા રદ થવાથી અસરગ્રસ્ત લોકોની રોજગારી અને વ્યવસાય સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
અસરગ્રસ્ત બાંગ્લાદેશીઓએ સરકારને 22 સપ્ટેમ્બર સુધીમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમય આપ્યો છે અને યુએઈ સરકાર સાથે ઉચ્ચ સ્તરે રાજદ્વારી સંપર્ક વધારવાની માંગ કરી છે.









