ઓસ્ટ્રેલિયા જવું ભારતીય વિદ્યાર્થીઓ માટે બનશે મુશ્કેલ? સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી

અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોમાં મહત્વના ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર ડિપેન્ડન્ટ તરીકે સ્પાઉસ અને બાળકોને સાથે લઈ જવા અંગેના નિયમોમાં કડકાઈ લાવવાની તૈયારી છે.

ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી ટોની બર્કે 17 સપ્ટેમ્બરે આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાતને અંતિમ નિયમોના સ્વરૂપમાં અમલમાં મૂકવાની પ્રક્રિયા હજુ બાકી છે અને આગામી સમયમાં નવા નિયમો લાગુ થઈ શકે છે.

હાલમાં ચોક્કસ પ્રકારના માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ પોતાના જીવનસાથી અને બાળકોને ડિપેન્ડન્ટ વિઝા મારફતે સાથે લઈ જઈ શકે છે. નવા નિયમો બાદ આ સુવિધા પર પ્રતિબંધ અથવા મર્યાદા લાદવાની યોજના છે. પરિણામે નવા અરજદારો માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા વધુ કડક બની શકે છે.

અહેવાલો મુજબ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ આશરે 3.37 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કર્યા હતા, જેમાં અંદાજે 45 હજાર ડિપેન્ડન્ટ વિઝાનો સમાવેશ થતો હતો. ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે જાય છે.

સરકારનો ઉદ્દેશ્ય સ્ટુડન્ટ વિઝા સિસ્ટમમાં વાસ્તવિક અને જિનીયુન વિદ્યાર્થીઓને વધુ તક આપવાનો હોવાનું જણાવાયું છે. ડિપેન્ડન્ટ અરજીઓમાં ઘટાડો થવાથી સ્ટુડન્ટ વિઝા માટે ઉપલબ્ધ જગ્યાઓ પર સીધી અસર ઘટી શકે છે.

નવા નિયમોની સૌથી વધુ અસર એવા પરિણીત વિદ્યાર્થીઓ પર પડી શકે છે, જેઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની સાથે પોતાના જીવનસાથી અથવા બાળકોને પણ સાથે લઈ જવા માંગે છે. જોકે, હાલમાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અથવા અગાઉથી ડિપેન્ડન્ટ સાથે ત્યાં રહેતા લોકોને નવા નિયમોથી અલગ વ્યવસ્થા હેઠળ રાહત મળી શકે છે.

આ ઉપરાંત, અભ્યાસ દરમિયાન કોર્સ બદલવા અંગેના નિયમોમાં પણ વધુ કડકાઈ લાવવાની તૈયારી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. નવા નિયમો ક્યારે અને કયા ચોક્કસ સ્વરૂપમાં લાગુ થશે તે અંગે ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન વિભાગની અંતિમ જાહેરાત બાદ વધુ સ્પષ્ટતા થશે.

Leave a Comment

और पढ़ें