ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત કાર્યવાહી કરીને રૂ.3,000 કરોડની કિંમતનું 526 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટને રોકી હતી, જેમાંથી હેરોઈન અને મેથામ્ફેટામાઈનનો જથ્થો મળી આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોએ આત્મસમર્પણ કર્યું હતું. ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે કોસ્ટગાર્ડ સાથે સંકલન કરીને શંકાસ્પદ બોટ પર નજર રાખવામાં આવી હતી.
બોટ ભારતીય જળસીમા તરફ આગળ વધતાં કોસ્ટગાર્ડે તેને ઘેરીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ બોટને કબજામાં લઈ તેમાં રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સમાં હેરોઈન અને મેથામ્ફેટામાઈન હોવાની વિગતો સામે આવી છે.
પકડાયેલા પાંચેય શખ્સોને ગુજરાત લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને દેશમાં કોને પહોંચાડવાનું હતું તે અંગે મહત્વની કડીઓ મળવાની શક્યતા છે. સમગ્ર ડ્રગ્સ નેટવર્કની તપાસ માટે એકથી વધુ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.








