UBSના ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ ભાનુ બાવેજાની ચેતવણી; હોર્મુઝમાંથી ક્રૂડ સપ્લાય ઘટતા ઓઈલના ભાવ ફરી ઊંચા જઈ શકે
શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે હવે ક્રૂડ ઓઈલના ભાવમાં સંભવિત ઉછાળો વૈશ્વિક બજારો માટે મોટું જોખમ બની શકે છે. UBS ઇન્વેસ્ટમેન્ટ બેંકના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ ભાનુ બાવેજાના મતે, અગાઉ ઓઈલ બજારને જે સપ્લાય શોકનો સામનો કરવો પડ્યો હતો તેની અસર મર્યાદિત રહી હતી, કારણ કે તે સમયે ચીનની ક્રૂડ ખરીદી ઓછી હતી. હવે ચીન ફરીથી બજારમાં સક્રિય બનતા સ્થિતિ બદલાઈ છે.
બાવેજાના જણાવ્યા મુજબ, હોર્મુઝ જળમાર્ગમાંથી સામાન્ય રીતે દરરોજ આશરે 20.5 મિલિયન બેરલ ક્રૂડ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પસાર થાય છે. હાલમાં તેનો આશરે એક તૃતીયાંશ એટલે કે લગભગ 6 મિલિયન બેરલ પ્રતિદિન જ પસાર થઈ રહ્યો હોવાનું તેમનું અનુમાન છે. પરિણામે સામાન્ય સપ્લાયની સરખામણીએ આશરે 14 મિલિયન બેરલ પ્રતિદિનનો તફાવત ઊભો થાય છે. આ સ્થિતિ ઓઈલના ભાવ પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે.
ચીનની ખરીદી બની શકે છે મહત્વનું પરિબળ
બાવેજાએ જણાવ્યું કે અગાઉ ચીન ઓઈલની ખરીદીથી દૂર રહ્યું હતું, જેના કારણે સપ્લાયમાં અવરોધ હોવા છતાં તેની ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો થયો નહોતો. હવે ચીન ફરીથી ક્રૂડ ખરીદી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર ચીનની કેટલીક રિફાઇનરીઓએ આફ્રિકા, કેનેડા અને દક્ષિણ અમેરિકામાંથી ક્રૂડ ખરીદી વધારી છે.
ઓઈલના ભાવ ઘટવાની રાહ જોઈને ખરીદી ટાળતી એરલાઇન્સ અને અન્ય કંપનીઓ પણ ફરી બજારમાં ખરીદદાર તરીકે આવી શકે છે. બીજી તરફ સપ્લાય હજુ મર્યાદિત રહે તો માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઓઈલના ભાવને વધુ ઉપર લઈ જઈ શકે છે.
ભારત પર પણ અસરની શક્યતા
ભારત ક્રૂડ ઓઈલની આયાત પર મોટી હદે નિર્ભર હોવાથી વૈશ્વિક ક્રૂડના ભાવમાં સતત વધારો થાય તો ઇંધણ ખર્ચ ઉપરાંત પેટ્રોકેમિકલ્સ અને ખાતર જેવા ક્ષેત્રો પર પણ અસર થઈ શકે છે. ઊર્જા ખર્ચ વધવાથી મોંઘવારી પર પણ દબાણ ઊભું થઈ શકે છે.
દરમિયાન, તાજેતરના ટ્રેડિંગમાં મધ્યપૂર્વની સપ્લાય અંગેની ચિંતાઓ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ફરી 100 ડોલરથી ઉપર રહ્યું છે. જોકે, સાઉદી અરેબિયાએ ઓમાન મારફતે વધારાનો ક્રૂડ સપ્લાય શરૂ કરતાં બુધવારે ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો હતો.
બાવેજાના મતે, હાલ શેર અને કરન્સી બજારોમાં જે પ્રમાણમાં શાંતિ જોવા મળી રહી છે તેની સામે ક્રૂડ સપ્લાય સાથે જોડાયેલા જોખમોને બજાર કદાચ સંપૂર્ણ રીતે ધ્યાનમાં લઈ રહ્યું નથી. તેથી હોર્મુઝમાં સપ્લાય અવરોધ અને ચીનની વધતી ક્રૂડ માગ આગામી સમયમાં બજાર માટે મહત્વના પરિબળ બની શકે છે.









