એન્થ્રોપિકના ક્લાઉડ AIમાં મોટો આઉટેજ: વિશ્વભરના યુઝર્સને લોગિન કરવામાં મુશ્કેલી

ઓથેન્ટિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતાં Claude.ai અને Claude Codeની સેવાઓ ખોરવાઈ; કંપનીએ સમસ્યા સ્વીકારી ફિક્સ ડિપ્લોય કર્યું

માઈક્રોસોફ્ટની ક્લાઉડ સેવાઓમાં આઉટેજની ઘટના બાદ હવે એન્થ્રોપિકના લોકપ્રિય AI ચેટબોટ ક્લાઉડ (Claude)માં પણ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. શુક્રવાર, 13 નવેમ્બરે અચાનક ઊભી થયેલી આ ખામીને કારણે દુનિયાભરના યુઝર્સને પ્લેટફોર્મ પર લોગિન કરવામાં અને જરૂરી સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. ખાસ કરીને ફાઇલો અને કોડ એક્સેસ કરવા માંગતા યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ઓથેન્ટિકેશન સિસ્ટમમાં ખામીથી સેવાઓ પ્રભાવિત

મળતી વિગતો મુજબ, ક્લાઉડ AI પ્લેટફોર્મ પર ઓથેન્ટિકેશન સંબંધિત સમસ્યા સર્જાઈ હતી. તેના કારણે યુઝર્સ વારંવાર પ્રયાસ કરવા છતાં પોતાના એકાઉન્ટમાં સાઇન-ઇન કરી શકતા નહોતા. Claude.ai ચેટબોટ પર આ આઉટેજની સૌથી વધુ અસર જોવા મળી હતી. જ્યારે Claude Code અને ક્લાઉડ કન્સોલની કેટલીક સેવાઓ પણ આંશિક રીતે ખોરવાઈ હતી.

કંપનીએ સત્તાવાર રીતે સમસ્યાની પુષ્ટિ કરી

એન્થ્રોપિકે બપોરે પોતાના સત્તાવાર સ્ટેટસ પેજ પર ટેકનિકલ ખામીની જાણકારી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઓથેન્ટિકેશન સાથે જોડાયેલી સમસ્યાની તપાસ ચાલી રહી છે. મુખ્ય સર્વર કાર્યરત હોવા છતાં યુઝર્સની ઓળખ ચકાસવાની પ્રક્રિયામાં મુશ્કેલી સર્જાતાં લોગિન સેવા પ્રભાવિત થઈ હતી.

ફિક્સ ડિપ્લોય કરી સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ

સમસ્યાની જાણ થતાં જ એન્થ્રોપિકની ટેકનિકલ ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. કંપનીએ ખામી દૂર કરવા માટે નવું ફિક્સ ડિપ્લોય કર્યું અને ત્યારબાદ સેવાઓની કામગીરી પર સતત નજર રાખી હતી. કંપનીએ ટૂંકા સમયમાં સ્થિતિ સુધારવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં માઈક્રોસોફ્ટની ક્લાઉડ સેવાઓમાં પણ ટેકનિકલ આઉટેજ સર્જાયો હતો. હવે એન્થ્રોપિકના ક્લાઉડ AIમાં પણ આવી સમસ્યા સામે આવતાં વિશ્વભરના યુઝર્સમાં ડિજિટલ સેવાઓની વિશ્વસનીયતા અંગે ચિંતા જોવા મળી રહી છે.

 

Leave a Comment

और पढ़ें