ઉત્તરાખંડમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ધરા ધ્રૂજી, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ઉત્તરાખંડમાં મંગળવારે રાત્રે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવતા સમગ્ર ઉત્તર ભારતમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રે આશરે 10:15 વાગ્યે આવેલા ભૂકંપના આંચકા ઉત્તરાખંડ ઉપરાંત દિલ્હી-NCR, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિતના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. અચાનક ઈમારતો અને ઘરો ધ્રૂજવા લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો સુરક્ષાના હેતુથી પોતાના ઘરોમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાએ આવી ગયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જમીનથી આશરે 13 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને શિમલા સહિતના શહેરોમાં પણ અનુભવાયા હતા. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોએ ધ્રૂજારી વધુ સ્પષ્ટ રીતે અનુભવી હતી.

ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પર પણ લોકોના અનુભવ સામે આવ્યા હતા. દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઈન પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન તેમનો સોફા તેમજ સમગ્ર ઈમારત હલતી હોય તેવો અનુભવ થયો હતો. કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ખુલ્લી જગ્યાએ રહ્યા હતા.

પ્રાથમિક માહિતીમાં ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ હતી, પરંતુ બાદમાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેને અપડેટ કરીને 4.9 કરી હતી. 4.9ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ શ્રેણીનો ગણાય છે અને તેના આંચકા ભૂકંપના કેન્દ્રથી દૂર આવેલા વિસ્તારોમાં પણ અનુભવાઈ શકે છે.

જોકે, આ ભૂકંપથી સદ્ભાગ્યે કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નથી. ભૂકંપ બાદ સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. આંચકા બાદ લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની હતી.

એક જ દિવસમાં આસામમાં પણ ભૂકંપ

નોંધનીય છે કે આ જ દિવસે વહેલી સવારે આસામના નાગાંવમાં પણ 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આમ, એક જ દિવસમાં દેશના બે અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, આસામમાં આવેલા ભૂકંપ બાદ પણ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નહોતા.

Leave a Comment

और पढ़ें