નાઘેડી GIDCમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યાં જ SMCનો દરોડો: બે આરોપી ઝડપાયા, 9 શખ્સોની સંડોવણી
જામનગરમાં દારૂની હેરાફેરીના મોટા નેટવર્ક સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ તવાઈ બોલાવી છે. નાઘેડી GIDC વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં ટ્રક મારફતે લાવવામાં આવેલા દારૂના જથ્થાનું અન્ય વાહનોમાં કટીંગ ચાલી રહ્યું હતું, ત્યારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂની 10,409 બોટલ, ટ્રક, અન્ય વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ.1,37,58,491નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે કુલ નવ શખ્સોની સંડોવણી સામે આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નાઘેડી ગામમાં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડિયાએ દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હતો. અન્ય રાજ્યમાંથી ટ્રકમાં દારૂ ભરીને જામનગર લાવવામાં આવ્યો હતો. પોલીસની નજરથી બચવા માટે ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાનાં બોક્સ અને બેગની આડમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. ત્યારબાદ નાઘેડી નજીકની અવાવરૂ જગ્યાએ દારૂનો જથ્થો ઉતારીને અન્ય વાહનોમાં ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે SMCની ટીમે સ્થળ પર દરોડો પાડતાં દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
દરોડા દરમિયાન પોલીસે દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી (ઉંમર 35, રહે. પંચવટી સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગર) અને યુવરાજસિંહ કાળુભા ચુડાસમા (ઉંમર 27, રહે. નાઘેડી ગામ, જામનગર)ને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડિયાનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત તેના ભાઈ કાના જીવાભાઈ મોઢવાડિયા, ઈરફાન કાસમ કાટેલીયા અને જિજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદ ખિચડા સહિત અન્ય લોકોની સંડોવણીની વિગતો પણ તપાસમાં બહાર આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, હરિયાણાના નૂહ વિસ્તારનો ટ્રકચાલક અસ્પાક અને રાજસ્થાનના ભરતપુર વિસ્તારનો ક્લીનર રાહુલ રઝાક સહિત અન્ય વાહનચાલકો સ્થળ પરથી વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા. SMCએ દારૂની 10,409 બોટલની અંદાજે રૂ.37.21 લાખની કિંમત ઉપરાંત રૂ.20 લાખનો ટાટા કંપનીનો બંધ બોડી ટ્રક, રૂ.7-7 લાખનાં બે અશોક લેલન બડા દોસ્ત વાહનો, બે એક્સેસ ટુ-વ્હીલર, ચાર મોબાઇલ ફોન અને રૂ.12,030 રોકડ જપ્ત કરી છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના દાણાનાં 24 બોક્સ પણ કબજે કરાયા છે, જેની કિંમત રૂ.65,24,113 હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે આરોપીઓએ પરસ્પર સંકલનથી આર્થિક લાભ મેળવવા દારૂના કટીંગ અને વેચાણનું કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. SMCએ કુલ રૂ.1.37 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ગેરકાયદે દારૂના નેટવર્ક સામે કાર્યવાહી શરૂ કરી છે. હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા, દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








