આંધ્રપ્રદેશ-ઓડિશામાં ‘અર્નબ’ વાવાઝોડાનો કહેરઃ ભારે વરસાદથી તારાજી, 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અર્નબ’ વાવાઝોડું મોડી રાત્રે આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ અને પવનના કારણે અનેક સ્થળોએ મકાનોને નુકસાન, વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવા સહિતની ઘટનાઓ બની હતી.

દક્ષિણ ઓડિશામાં વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને 10 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા 5 હજારથી વધુ લોકોને જોખમી વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. મલકાનગીરીમાં ભારે વરસાદને કારણે ચાર પુલ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. સુરક્ષાના કારણોસર કેટલાક માર્ગો અને નેશનલ હાઈવે પર પણ અવરજવર રોકવામાં આવી હતી.

તોફાની પવનના કારણે દરિયામાં ગયેલી 10 હોડીઓ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલીક હોડીઓને પણ નુકસાન થયું છે. માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ, આંધ્રપ્રદેશમાં પણ વાવાઝોડાની અસર હેઠળ આશરે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

વાવાઝોડાની અસરથી ચોમાસાની વિદાય અટકી, 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

‘અર્નબ’ વાવાઝોડાની અસરને કારણે દેશમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત દિલ્હી, કર્ણાટક, કેરળ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં પણ વરસાદની સંભાવના છે. ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें