48 બોટલ દારૂ, 216 બિયર ટીન સાથે રૂ.20.34 લાખનો મુદ્દામાલ જપ્ત; ચાલકની ધરપકડ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર રામદેવ આઈ માતા હોટેલ સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી દારૂ-બિયર ભરેલો આઈસર ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 48 બોટલ અને બિયરના 216 ટીન સહિત ટ્રક મળી કુલ રૂ.20,34,176નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના PSI વી.ડી. રાવલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ASI સમીરભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર અને મુકેશભાઈ સબાડને બાતમી મળી હતી. તેના આધારે પોલીસે GJ-03-CU-6234 નંબરનો શંકાસ્પદ આઈસર ટ્રક અટકાવી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન દારૂ-બિયરનો જથ્થો મળી આવતાં પોલીસે ગોંડલના ગુંદાસરા ગામની કર્મભક્તિ સોસાયટી-2માં રહેતા ભાવેશ ઉર્ફે ધવલ ભીખુ ધામેલિયા (ઉ.વ.32)ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
નહેરૂનગરમાં મકાનમાંથી 21 બોટલ ઝડપાઈ
બીજી તરફ LCB ઝોન-2ની ટીમે નહેરૂનગર મેઈન રોડ, શેરી નં.5 ખાતે ભાવિન બહાદુરસિંહ દેવડાના (ઉ.વ.27) મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી રૂ.23,100ની કિંમતની વિદેશી દારૂની 21 બોટલ મળી આવતાં ભાવિન દેવડાની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન તેના ભાઈ નીરજ દેવડાનું નામ સામે આવતાં પોલીસે તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.









