અમેરિકામાં ટ્રેનિંગ દરમિયાન F-16 ફાઈટર જેટ ક્રેશ, પાયલટ સુરક્ષિત

મિશિગનમાં દુર્ઘટના બાદ એક માઈલના વિસ્તારમાંથી લોકોને ખસેડાયા; હાઈડ્રાજિન રસાયણના લીકેજથી એલર્ટ

અમેરિકાના મિશિગન રાજ્યમાં ગુરુવારે ટ્રેનિંગ મિશન દરમિયાન ટેક્સાસ એર નેશનલ ગાર્ડનું F-16 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર પાયલટે સમયસર ઈજેક્શન કરી લેતાં તેનો જીવ બચી ગયો હતો. પાયલટને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આ દુર્ઘટના ગ્રાન્ડ ટ્રેવર્સ કાઉન્ટીના બ્લેયર ટાઉનશિપ વિસ્તારમાં કાઉન્ટી રોડ 633 અને બ્લેયર ટાઉનહોલ રોડ નજીક બની હતી. F-16 ટેક્સાસ એર નેશનલ ગાર્ડની 149મી ફાઈટર વિંગનું હતું અને અલ્પેના કોમ્બેટ રેડીનેસ ટ્રેનિંગ સેન્ટરથી નિયમિત ટ્રેનિંગ મિશન પર હતું.

દુર્ઘટના બાદ વિમાનના કાટમાળમાંથી જોખમી રસાયણ હાઈડ્રાજિન લીક થવાની શક્યતાને પગલે શરૂઆતમાં આસપાસના લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ક્રેશ સ્થળથી એક માઈલના વિસ્તારમાંથી લોકોને ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાઈડ્રાજિન F-16ની ઈમરજન્સી પાવર સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતું ઝેરી રસાયણ છે.

એર ટ્રાફિક કંટ્રોલ સાથેની પ્રાથમિક રેડિયો વાતચીતમાં વિમાન પક્ષી સાથે અથડાયું હોવાની શક્યતા સામે આવી છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે નક્કી થયું નથી અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ જમીન પર અન્ય કોઈ વ્યક્તિના ઘાયલ થયાના અહેવાલ નથી. બચાવ અને ઇમરજન્સી ટીમોએ સ્થળ પર કામગીરી હાથ ધરી હતી. બાદમાં એક માઈલના વિસ્તારમાં લાગુ કરાયેલો ખાલી કરવાનો આદેશ હટાવી દેવામાં આવ્યો હતો, જોકે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા હતા.

Leave a Comment

और पढ़ें