ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ માટે મેટાના પેઈડ પ્લાન જાહેર

સામાન્ય સેવા મફત રહેશે, પરંતુ ક્રિએટર અને બિઝનેસ યુઝર્સ માટે ખાસ ફીચર્સ સાથે માસિક સબસ્ક્રિપ્શન મળશે

નવી દિલ્હી: મેટાએ ભારતમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ માટે નવા પેઈડ સબસ્ક્રિપ્શન પ્લાન શરૂ કર્યા છે. જોકે, આ પ્લાનનો અર્થ એ નથી કે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે સંપૂર્ણપણે પેઈડ થઈ જશે. સામાન્ય વપરાશકર્તાઓ માટેની મૂળભૂત સેવાઓ મફત રહેશે, જ્યારે વધારાની AI અને બિઝનેસ સુવિધાઓ મેળવવા માટે સબસ્ક્રિપ્શન લઈ શકાશે.

મેટાના નવા ‘Meta One’ હેઠળ અલગ-અલગ કેટેગરીના પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. તેમાં સામાન્ય યુઝર્સ ઉપરાંત AIનો વધુ ઉપયોગ કરનારા, કન્ટેન્ટ ક્રિએટર્સ અને બિઝનેસ માટે અલગ પેકેજનો સમાવેશ થાય છે. ભારતમાં વ્યક્તિગત પ્લાનમાં Instagram Plus, Facebook Plus અને WhatsApp Plus જેવા વિકલ્પો ઉપલબ્ધ છે, જ્યારે વધુ સુવિધાઓ ધરાવતા Meta One Core અને Premium પ્લાનની કિંમત અનુક્રમે આશરે રૂ.549 અને રૂ.1,950 પ્રતિ માસથી શરૂ થાય છે.

ક્રિએટર અને બિઝનેસ માટેના પ્લાનમાં પ્રોફાઇલ વેરિફિકેશન, વધારાની AI સુવિધાઓ, પોસ્ટ-શેડ્યૂલિંગ, ઓડિયન્સ એનાલિટિક્સ, ઇમ્પર્સોનેશન પ્રોટેક્શન અને ગ્રાહકો સાથે જોડાણ માટેના વધારાના ટૂલ્સનો સમાવેશ થાય છે.

મેટા અગાઉથી ભારતમાં બિઝનેસ માટે Meta Verifiedના ચાર પ્લાન ઉપલબ્ધ કરાવી ચૂક્યું છે. આ સબસ્ક્રિપ્શનમાં વેરિફાઇડ બેજ, એકાઉન્ટ સપોર્ટ અને ઇમ્પર્સોનેશન પ્રોટેક્શન જેવી સુવિધાઓ મળે છે.

આ ઉપરાંત વોટસએપ બિઝનેસમાં પણ Meta Verified હેઠળ વેરિફાઇડ બેજ, વધારાની સુરક્ષા, સપોર્ટ અને અનેક ડિવાઇસ પર બિઝનેસ સંચાલન જેવી સુવિધાઓ આપવામાં આવે છે.

Leave a Comment

और पढ़ें