મક્કા નજીક હુથી ડ્રોન તોડી પાડ્યાના અહેવાલ બાદ સુરક્ષા ચિંતા વધી; યમન સરહદે ‘ડુ નોટ ટ્રાવેલ’ની સલાહ
વોશિંગ્ટન: સાઉદી અરેબિયામાં વધતા સુરક્ષા જોખમોને પગલે અમેરિકાએ પોતાના નાગરિકો માટે પ્રવાસ અંગે નવી એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાઉદી અરેબિયાને લેવલ-3 ‘રીકન્સિડર ટ્રાવેલ’ કેટેગરીમાં રાખીને નાગરિકોને પ્રવાસ અંગે પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં ઈરાન તરફથી ડ્રોન-મિસાઈલ હુમલા, સશસ્ત્ર સંઘર્ષ અને આતંકવાદ સહિતના જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન સાઉદી અરેબિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મક્કા નજીક હુથી ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રોન પવિત્ર શહેરના પ્રતિબંધિત હવાઈ વિસ્તારમાં પ્રવેશે તે પહેલાં જ તેને નષ્ટ કરવામાં આવ્યું હતું. જોકે, હુથી પ્રવક્તાએ મક્કાને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે.
મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયા પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો ખતરો યથાવત્ હોવાનું અમેરિકાની એડવાઈઝરીમાં જણાવાયું છે. ખાસ કરીને યમન સરહદના વિસ્તાર માટે અમેરિકાએ લેવલ-4 ‘ડુ નોટ ટ્રાવેલ’ની સલાહ આપી છે.
અમેરિકાની એડવાઈઝરી મુજબ સાઉદી અરેબિયામાં ઊર્જા માળખાં, લશ્કરી મથકો, એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો સંભવિત નિશાન બની શકે છે. તાજેતરના હુમલાઓ અને પ્રાદેશિક સંઘર્ષને કારણે સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વધી છે.
મક્કા નજીક ડ્રોનની ઘટના અને સાઉદી અરેબિયામાં થયેલા અન્ય હુમલાઓને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. જોકે, મક્કાને હુથીઓએ સીધું નિશાન બનાવ્યું હતું કે નહીં તે અંગે બંને પક્ષોના દાવા અલગ છે.









