દિલ્હી એરપોર્ટ પર મુસાફરોના ધરણાં: સ્પાઈસ જેટની બે ફ્લાઈટ 24 કલાકથી વધુ મોડી

દુબઈ જતી ફ્લાઈટ ન ઉપડતાં યાત્રીઓનો હોબાળો: એરલાઈનના કર્મચારીઓ દેખાયા નહીં હોવાનો આક્ષેપ

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટથી દુબઈ જતી સ્પાઈસ જેટની બે ફ્લાઈટ 24 કલાકથી વધુ સમય સુધી મોડી પડતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરેશાન મુસાફરોએ એરપોર્ટ પર જમીન પર બેસીને ધરણાં અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, એક ફ્લાઈટ સોમવારે સવારે દુબઈ જવા રવાના થવાની હતી, જ્યારે બીજી ફ્લાઈટ સોમવારે રાત્રે ઉડાન ભરવાની હતી. જોકે, બંને ફ્લાઈટ સમયસર ઉડી ન શકતાં મુસાફરોને લાંબી રાહ જોવી પડી હતી.

મુસાફરોનો આક્ષેપ છે કે લાંબા સમય સુધી ફ્લાઈટ અંગે યોગ્ય માહિતી આપવામાં આવી નહોતી અને એરલાઈનનો કોઈ કર્મચારી પણ તેમની સમસ્યા સાંભળવા માટે હાજર જોવા મળ્યો નહોતો. જેના પગલે મુસાફરોએ જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.

એક દિવસ પહેલાં પણ મુસાફરો પરેશાન થયા હતા

આ ઘટનાના એક દિવસ પહેલાં પણ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીથી ગોરખપુર જતી ફ્લાઈટ રનવે પર ઊભી હતી ત્યારે તેનું એસી અચાનક બંધ થઈ ગયું હતું.

એસી બંધ થતાં વિમાનની અંદર ભારે ગરમી સર્જાઈ હતી અને મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મુસાફરોએ પુસ્તકો અને મેગેઝીનથી પંખો બનાવીને હવા કરવી પડી હતી. લગભગ બે કલાક સુધી મુસાફરોને એસી વગરના વિમાનમાં બેસી રહેવું પડ્યું હતું.

Leave a Comment