કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ, રાજકોટના રોકાણકારો સાથે રૂ.144 કરોડની છેતરપિંડીનો આક્ષેપ

રાજકોટ: ઇન્ડોનેશિયન કોલસાના વેપારમાં રોકાણ કરાવી પાંચ વર્ષ બાદ ઊંચું વળતર આપવાની લાલચ આપી રાજકોટના ઉદ્યોગકારો સહિત અનેક રોકાણકારો સાથે રૂ.144.19 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લિ. અને મીરેકલ એન્ટરપ્રાઇઝ સાથે સંકળાયેલા લોકો સામે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખામાં GPID એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં ટર્નરેસ્ટ રીસોર્સીસના ડિરેક્ટરો જય ચોટલીયા, મિતેષ સંઘવી અને મનીષ ડાંગીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ જય ચોટલીયા અરવિંદભાઈ રામાણીના CA અને આર્થિક સલાહકાર તરીકે કામ કરતા હોવાથી તેમના માધ્યમથી કંપનીની રોકાણ યોજનાની માહિતી ફરિયાદી સુધી પહોંચી હતી.

કંપનીનું ટર્નઓવર રૂ.2 હજાર કરોડ સુધી પહોંચાડવાનો દાવો

ફરિયાદ મુજબ આરોપીઓએ ટર્નરેસ્ટ રીસોર્સીસ કંપની ઇન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં કોલસો આયાત કરી ભારતમાં વેચાણ કરતી હોવાનું જણાવી રોકાણ માટે વિશ્વાસમાં લીધા હતા. રોકાણકારોને કંપનીના શેર ખરીદવા અથવા પોતાની મિલકત બેંકમાં ગીરવે રાખી કંપની માટે લોન/CC મેળવવાની યોજના સમજાવવામાં આવી હતી.

કંપનીમાં રોકાણ કરેલી રકમનો કોલસાના વેપારમાં ઉપયોગ કરી આગામી પાંચ વર્ષમાં કંપનીનું ટર્નઓવર રૂ.1,500થી રૂ.2,000 કરોડ સુધી પહોંચશે અને ત્યારબાદ રોકાણકારોને ઊંચું વળતર તથા મૂળ રકમ પરત આપવાની ખાતરી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

મિલકતો ગીરવે રાખી કરોડોનું રોકાણ

ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2018થી 2023 દરમિયાન વિવિધ રોકાણકારોએ મિલકતો ગીરવે રાખી અને શેર તથા ડિપોઝિટ મારફતે કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્રણેય સ્કીમમાં કુલ રૂ.1,44,19,26,000નું રોકાણ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અરવિંદભાઈ રામાણી અને તેમના પરિવાર, કેશુભાઈ બોદર, ખોડાભાઈ બોઘરા તથા રસિકભાઈ બોદર સહિતના રોકાણકારોની મિલકતોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મિલકત છોડાવવા રૂ.41 કરોડ ચૂકવ્યાનો દાવો

ફરિયાદ મુજબ અરવિંદભાઈ રામાણીએ પોતાની અવધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મિલકતો ગીરવે રાખી રોકાણ કર્યું હતું. ત્યારબાદ કંપનીની લોન/CCની જવાબદારીના કારણે ગીરવે મૂકેલી મિલકતો છોડાવવા માટે 11 સપ્ટેમ્બર 2024ના રોજ રૂ.41 કરોડ બેંકમાં જમા કરાવવા પડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બનાવટી સહીથી લોન રિન્યુ કર્યાનો આરોપ

ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ એવો છે કે કેટલાક રોકાણકારોની જાણ બહાર તેમના નામે બનાવટી સહી અને દસ્તાવેજોના આધારે લોન/CC રિન્યુ કરવામાં આવ્યા હતા. બેંકમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં રોકાણકારોની કથિત સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો છે.

કંપનીની લોનની ચુકવણી ન થતાં સંબંધિત બેંકો દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ ઓડિટમાં કંપનીની રકમ અન્ય કંપનીઓ તથા પરિવારના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાના આક્ષેપોનો ઉલ્લેખ છે.

અમદાવાદમાં રૂ.64 કરોડની લોનનો પણ મામલો

ફરિયાદમાં અમદાવાદ સાથે જોડાયેલા એક અલગ આક્ષેપનો પણ ઉલ્લેખ છે. કેશુભાઈ બોદરના જણાવ્યા મુજબ, તેમની જાણ બહાર આવકવેરા રિટર્ન અને ઓળખના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંકના ગેરંટી ડીડ અને KYC દસ્તાવેજોમાં કથિત બનાવટી સહી કરવામાં આવી હતી.

આ દસ્તાવેજોના આધારે તેમને જાણ બહાર રૂ.64 કરોડની લોનમાં ગેરંટર બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા બેંકિંગ વ્યવહારો, લોન-CCના દસ્તાવેજો, રોકાણની વિગતો અને કંપની સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें