અમેરિકાના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટ્યું : વિમાનોના સંચાલન પર અસર

ફ્યુઅલ સપ્લાય ખોરવાતા એરલાઈન્સને પડોશી એરપોર્ટ પરથી ઈંધણ ભરવાની સૂચના

અમેરિકા: ન્યૂયોર્કના ચીકટોવાગા શહેરમાં આવેલા બફેલો નાયગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્યુઅલની અછત સર્જાતા વિમાનોના સંચાલન પર અસર પડી છે. એરપોર્ટ પર ઈંધણ ઉપલબ્ધ ન હોવાથી કેટલાક વિમાનોને જમીન પર રોકી રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. આ અંગે એરપોર્ટ માટે NOTAM પણ જાહેર કરવામાં આવ્યો છે.

એરલાઈન્સને અપાઈ વૈકલ્પિક ફ્યુઅલિંગની સલાહ

અહેવાલ અનુસાર, એક મોટી અમેરિકન એરલાઈને બફેલો એરપોર્ટ તરફ જતા પોતાના વિમાનોને ફ્યુઅલિંગ અંગે ખાસ સૂચના આપી છે. જે વિમાનો અહીં લેઓવર દરમિયાન ઈંધણ ભરવાના હતા, તેમને હવે પડોશના અન્ય એરપોર્ટ પર ઉતરીને ફ્યુઅલ ભરવાની સલાહ આપવામાં આવી છે.

આ નિર્ણયથી બફેલો એરપોર્ટ પર આવતી-જતી કેટલીક ફ્લાઈટ્સના સમયપત્રકને અસર થવાની શક્યતા છે.

શું છે NOTAM?

NOTAM એટલે Notice to Airmen અથવા Notice to Air Missions. કોઈ એરપોર્ટ, રનવે, હવાઈ માર્ગ અથવા એરસ્પેસમાં અસ્થાયી કે અસામાન્ય સ્થિતિ સર્જાય ત્યારે તેની જાણકારી પાયલોટને અગાઉથી આપવા માટે NOTAM જાહેર કરવામાં આવે છે.

ટેન્કરથી પહોંચાડાય છે એરપોર્ટનું ફ્યુઅલ

બફેલો નાયગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રમાણમાં નાનું એરપોર્ટ હોવાથી અહીં વિમાનનું ફ્યુઅલ પાઇપલાઇન મારફતે નહીં પરંતુ ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે. ફ્યુઅલ સપ્લાયની આ વ્યવસ્થામાં સમસ્યા સર્જાતા હાલની અછત ઊભી થઈ હોવાનું માનવામાં આવે છે.

જોકે, ફ્યુઅલ સપ્લાયમાં ચોક્કસ કઈ સમસ્યા સર્જાઈ છે અને સામાન્ય પુરવઠો ક્યારે પુનઃસ્થાપિત થશે તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હાલ એરલાઈન્સ વૈકલ્પિક એરપોર્ટ પરથી ફ્યુઅલ ભરાવીને ફ્લાઈટ્સ ચાલુ રાખવાની વ્યવસ્થા કરી રહી છે.

Leave a Comment

और पढ़ें