રૂ.13.16 લાખના મુદ્દામાલ સાથે 2,324 બોટલ દારૂ-બિયર કબજે : બે બુટલેગર અંધારામાં ફરાર
બનાસકાંઠા રેન્જ પોલીસે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. બેવટા-કેસરગામ હાઇવે પર પોલીસને જોઈને પૂરઝડપે ભાગેલી ઈનોવા કારનો પીછો કરતાં તેમાં ભરેલો રૂ.3.06 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ.13.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઈનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેવટાથી કેસરગામ તરફ જતા હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી.
રોકવાનો ઈશારો કરતાં કાર ભગાવી
વોચ દરમિયાન સિલ્વર કલરની ઈનોવા આવતી દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનથી તેનો પીછો શરૂ કર્યો હતો.
પોલીસના પીછાથી બચવા ઈનોવા ચાલકે બેવટાથી કેસરગામ થઈ પેપળથી લોઢનોર ગામની સીમ તરફ ગાડી દોડાવી હતી. અંતે રોડની સાઈડમાં કાર મૂકીને ચાલક અને તેનો સાથીદાર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
ઈનોવામાંથી 2,324 બોટલ મળી
પોલીસે બિનવારસી પડેલી MH-02-FE-9717 નંબરની ઈનોવાની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 2,324 બોટલો મળી આવી હતી.
દારૂ-બિયરની કિંમત રૂ.3.06 લાખ આંકવામાં આવી છે. ઈનોવા કાર સહિત કુલ રૂ.13.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ફરાર થયેલા બંને શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








