મુંબઈમાં મેકડોનાલ્ડ્સ-રેડિયો ક્લબ સહિત 18 ફૂડ આઉટલેટ સામે કાર્યવાહી
મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ વહીવટીતંત્રે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર ફૂડ આઉટલેટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. 19 અને 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 89 હોટલ, રેસ્ટોરાં અને ઢાબાની તપાસ કરવામાં આવી હતી. જેમાં 71 સંસ્થાઓને સુધારણા માટે નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે અનેક સંસ્થાઓના લાઇસન્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મુંબઈના કોલાબા વિસ્તારમાં તપાસ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ, મેકડોનાલ્ડ્સના કોલાબા સેન્ટર અને સ્ટેટસ રેસ્ટોરાં સહિતની સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રેડિયો ક્લબનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
રેડિયો ક્લબના રસોડામાં માખીઓ અને વંદા
98 વર્ષ જૂના બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબના રસોડામાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં જીવતી માખીઓ અને મૃત વંદા મળી આવ્યા હતા. ખાદ્ય સામગ્રીની નજીક ધોવાનો પાવડર રાખવામાં આવ્યો હતો અને વાસણો જમીન પર મૂકવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું.
રસોડાના ખાદ્ય પદાર્થો બનાવવાના વિસ્તારમાં રંગ અને પ્લાસ્ટર ઊખડેલું હતું. કર્મચારીઓના હેલ્મેટ અને કપડાં પણ ખાદ્ય સામગ્રીની નજીક રાખવામાં આવતા હતા. તપાસમાં સંસ્થાની નિયમપાલન ક્ષમતા માત્ર 47 ટકા નોંધાઈ હતી.
મેકડોનાલ્ડ્સમાં 20માંથી 18 ખામીઓ યથાવત્
કોલાબાના મેકડોનાલ્ડ્સ સેન્ટરની પુનઃતપાસમાં અગાઉ દર્શાવવામાં આવેલી 20માંથી 18 ખામીઓ હજુ પણ દૂર કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. તેમાં ઠંડક જાળવતા સાધનોનું યોગ્ય માપાંકન ન કરવું, જીવતા વંદાની હાજરી અને ખાદ્ય પદાર્થો તૈયાર કરતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરવું જેવી ગંભીર ખામીઓનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન કર્મચારીઓ ગંદા કપડાં કે જૂતાંને સ્પર્શ કર્યા બાદ હાથ ધોયા વિના તૈયાર ખાદ્ય પદાર્થો સંભાળતા હોવાનું પણ જણાવાયું છે.
મેકડોનાલ્ડ્સ દ્વારા અગાઉ 12 ઓગસ્ટે 148 પાનાનો અહેવાલ રજૂ કરી તમામ ખામીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, 19 ઓગસ્ટની તપાસમાં વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું સામે આવ્યું હતું. આથી ખોટી માહિતી આપવામાં આવી હોવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.
ખાદ્ય સુરક્ષામાં બેદરકારી સામે તંત્રની કડક કાર્યવાહીથી ફૂડ બિઝનેસમાં ચકચાર સર્જાઈ છે.








