GSTની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

હવે ‘સરપ્રાઇઝ એરેસ્ટ’ નહીં! : ધરપકડ પહેલાં GST કલમ-69નો ઓર્ડર આપવો ફરજિયાત

GST હેઠળ તપાસ દરમિયાન કરદાતાની અચાનક ધરપકડ કરવાની પદ્ધતિ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કલમ-69 હેઠળ ધરપકડનો આદેશ કરદાતાથી છુપાવી શકાય નહીં અને ધરપકડ કરતાં પહેલાં આ ઓર્ડર તેને પહોંચાડવો ફરજિયાત રહેશે.

સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે જો ધરપકડનો આદેશ કરદાતાને બતાવવામાં જ ન આવે તો તે વ્યક્તિ પોતાના કાનૂની અધિકારોના રક્ષણ માટે આ આદેશને કોર્ટમાં પડકારી કેવી રીતે શકે?

કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મળતા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને વિભાગીય ગોપનીયતાના નામે અવગણી શકાય નહીં. કલમ-69 હેઠળ ધરપકડ કરતા પહેલાં કમિશનરે ઉપલબ્ધ પુરાવાના આધારે ધરપકડ માટેના ‘માનવા માટેના કારણો’ નોંધવા પડશે.

આ ઉપરાંત સંબંધિત ધરપકડ આદેશ કરદાતાને ઈમેઈલ, ટપાલ અથવા અન્ય માન્ય ડિજિટલ માધ્યમથી અગાઉથી મોકલવો પડશે. એટલે હવે ધરપકડના સમયે જ ઓર્ડરની જાણ કરવી પૂરતી નહીં ગણાય.

આ મામલો DGGI મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા કરવામાં આવેલી તપાસ સાથે સંકળાયેલો હતો. તપાસમાં બોગસ ITC મેળવવા, સર્ક્યુલર ટ્રેડિંગ અને સેવાઓની આયાત પર GST ન ભરવા જેવા આરોપો સામે આવ્યા હતા.

મુંબઈ હાઈકોર્ટે અગાઉ કલમ-69નો ધરપકડ આદેશ બહાર પાડવામાં આવે ત્યારથી એક સપ્તાહનું રક્ષણ આપ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે આ એક સપ્તાહના ‘કૂલિંગ-ઓફ પિરિયડ’ને રદ કર્યો હતો. સાથે જ સુનાવણી દરમિયાન GST ધરપકડની પ્રક્રિયામાં પારદર્શિતા અને કરદાતાના મૂળભૂત અધિકારો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે.

વેપારીઓ-ઉદ્યોગકારો માટે મોટી રાહત

  • કલમ-69નો ધરપકડ ઓર્ડર છુપાવી શકાશે નહીં.
  • ધરપકડ પહેલાં કરદાતાને ઓર્ડર આપવો પડશે.
  • ધરપકડના કારણોનો આધાર રેકોર્ડ પર નોંધવો પડશે.
  • ઈમેઈલ અથવા અન્ય માન્ય ડિજિટલ માધ્યમથી ઓર્ડર મોકલી શકાશે.
  • કરદાતાને પોતાના કાનૂની અધિકારોનો ઉપયોગ કરવાની તક મળશે.

સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી GST હેઠળની ધરપકડની પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધવાની શક્યતા છે.

Leave a Comment