MPમાં ભારે વરસાદનો કહેર : રૂ.104 કરોડનો નવો રોડ પાણીમાં તણાયો
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળા બે કાંઠે વહેતા થતાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. આ દરમિયાન રામપુર નૈકિનના ખેરા-ડિઠોરા માર્ગનો મોટો હિસ્સો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ રોડનું નિર્માણ માત્ર છ મહિના પહેલાં રૂ.104 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નવો માર્ગ થોડા જ મહિનામાં વરસાદના પાણીમાં ધોવાઈ જતાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રસ્તાનો મોટો ભાગ તણાઈ જતાં વાહન વ્યવહાર પર પણ અસર પડી છે. સ્થાનિકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદે અનેક વિસ્તારોને ધમરોળ્યા
મધ્યપ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદથી સ્થિતિ વણસી છે. પન્નામાં પૂર જેવી સ્થિતિ વચ્ચે નદીના તેજ પ્રવાહમાં ડમ્પર તણાઈ ગયું, જ્યારે સતના જિલ્લામાં બાઈક સહિત ત્રણ લોકો નાળાના પાણીમાં તણાઈ ગયા હતા. જોકે તેમાંથી બે લોકો તરીને બહાર નીકળી ગયા હતા.
રીવાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદને કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.
રૂ.104 કરોડના ખર્ચે બનેલો રોડ માત્ર છ મહિનામાં જ પાણીમાં તણાઈ જતાં હવે બાંધકામની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે મોટા સવાલો ઊભા થયા છે.








