સંરક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર DRDOની નવી પહેલઃ ખાનગી કંપનીઓ બનશે સ્ટ્રેટેજિક વેપનના પાર્ટનર

અગ્નિ સહિતની મિસાઇલ સિસ્ટમ્સના ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રને તક, ‘ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર’ મોડેલથી ઉત્પાદન વધશે

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવા માટે DRDO દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભવિષ્યમાં વિકસાવવામાં આવનારા સ્ટ્રેટેજિક હથિયારોના ઉત્પાદન માટે રસ ધરાવતી ભારતીય ખાનગી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

અત્યાર સુધી અગ્નિ સિરીઝની મિસાઇલો સહિતની સંવેદનશીલ સ્ટ્રેટેજિક સિસ્ટમ્સનું ઉત્પાદન મુખ્યત્વે સરકારી ક્ષેત્રની કંપનીઓ દ્વારા કરવામાં આવતું હતું. હવે DRDOના મિસાઇલ અને સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી સિસ્ટમ્સના ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રને પણ ભાગીદાર બનાવવામાં આવશે.

દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી બે કંપની

આ યોજના હેઠળ કંપનીઓની પસંદગી તેમની ટેકનિકલ ક્ષમતા અને નાણાકીય માપદંડોના આધારે કરવામાં આવશે. દરેક પ્રોજેક્ટ માટે ‘ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર’ મોડેલ હેઠળ ઓછામાં ઓછી બે ભારતીય કંપનીઓને પસંદ કરવામાં આવશે.

પસંદ થયેલી કંપનીઓ DRDO સાથે મળીને હથિયાર અથવા સંરક્ષણ પ્રણાલીના પ્રોટોટાઇપ તૈયાર કરશે. સંરક્ષણ દળો તરફથી મોટા ઓર્ડર મળ્યા બાદ આ કંપનીઓ તેનું મોટા પાયે ઉત્પાદન કરશે.

ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓની નજર

DRDOની આ પહેલથી સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે નવી તકો ઊભી થઈ છે. સોલાર એરોસ્પેસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ જેવી મોટી કંપનીઓ આ ક્ષેત્રમાં સંભવિત દાવેદારો તરીકે જોવામાં આવી રહી છે.

આ પહેલથી દેશની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળવાની અપેક્ષા છે. સંવેદનશીલ સંરક્ષણ પ્રણાલીઓના સ્થાનિક ઉત્પાદનથી આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં અને ભારતીય ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે.

Leave a Comment

और पढ़ें