7 કલાકમાં 5 ભૂકંપના આંચકા, નાશિક-ચંબા સહિત અફઘાનિસ્તાનમાં પણ કંપન
મહારાષ્ટ્ર, હિમાચલ અને અફઘાનિસ્તાન: આજે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિકથી લઈને હિમાચલ પ્રદેશના ચંબા અને અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા નોંધાયા હતા. લગભગ 7 કલાક દરમિયાન પાંચ વખત ધરતી કાંપી હતી. જેમાં નાશિકમાં 3.4, ચંબામાં 3.0 અને અફઘાનિસ્તાનમાં મહત્તમ 4.4ની તીવ્રતા નોંધાઈ હતી.
ભૂકંપના આંચકાનો સિલસિલો રાત્રે 12:05 વાગ્યાથી સવારે 6:36 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ દરમિયાન અલગ-અલગ સ્થળોએ ભૂકંપની ગતિવિધિ નોંધાઈ હતી.
મહારાષ્ટ્રના નાશિકમાં સવારે 5:32 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 3 કિલોમીટર નોંધાઈ હતી. જોકે, ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
હિમાચલ પ્રદેશના ચંબામાં સવારે 6:36 વાગ્યે 3.0ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 5 કિલોમીટર હતી. અહીં પણ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી.
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે બે આંચકા નોંધાયા હતા. પ્રથમ 4:29 વાગ્યે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 147 કિલોમીટર હતી. ત્યારબાદ માત્ર 12 મિનિટમાં 4:41 વાગ્યે 4.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો, જેની ઊંડાઈ 136 કિલોમીટર નોંધાઈ હતી.
અફઘાનિસ્તાનમાં આવેલા બંને ભૂકંપમાં પણ અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ એક કલાકમાં ભૂકંપના બે આંચકા નોંધાયા હતા અને બંનેની તીવ્રતા 3.4 રહી હતી.









