ફોર્ટ હૂડ નજીક અમેરિકી સૈન્યનું ‘અપાચે’ હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલટના મોત

ખેતરમાં તૂટી પડતા ભીષણ આગ લાગી; આસપાસના ઘરો ખાલી કરાવાયા, અકસ્માતની તપાસ શરૂ

ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ હૂડ નજીક ઓપરેશન દરમિયાન અમેરિકી સેનાનું અત્યાધુનિક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર એક ખેતરમાં ક્રેશ થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ક્રેશ બાદ ખેતરમાં લાગી આગ

હેલિકોપ્ટર જમીન સાથે અથડાતાં જ ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ જોખમ ઊભું થતાં સુરક્ષાના ભાગરૂપે કેટલાક ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા.

દુર્ઘટના બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મોટા વિસ્તારમાં વિખેરાઈ ગયો હતો. જોકે, સદનસીબે હેલિકોપ્ટર કોઈ મકાન કે અન્ય ઈમારત સાથે અથડાયું નહોતું.

બંને પાયલટના મોતની પુષ્ટિ

બેલ કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ક્લિફ કોલમેને હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોતની પુષ્ટિ કરી છે. જોકે, બંને મૃતક પાયલટોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.

ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતનું કારણ હજુ રહસ્ય

ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર અચાનક કેમ ક્રેશ થયું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને લઈને ફોર્ટ હૂડની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિ, ઓપરેશનની પરિસ્થિતિ અને અન્ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવશે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Comment