રાજકોટ, વઢવાણ અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટાંથી વાતાવરણ ઠંડુગાર
રાજકોટ: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પહેલાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજના સમયે વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં પણ મોડી રાતથી વહેલી સવાર સુધી હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી.
જામનગરમાં વરસાદથી રસ્તાઓ પર પાણી
જામનગર શહેર અને જિલ્લામાં દિવસભરના બફારા બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાલાવડમાં 3 મીમી જ્યારે જામનગર શહેરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. વહેલી સવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેતાં શ્રાવણ માસના આગમન પહેલાં શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
શિવભક્તો મંદિરોમાં દર્શન અને પૂજન માટે પહોંચ્યા હતા. શ્રાવણ પહેલાં વરસેલા વરસાદને લઈને લોકોમાં ‘મેઘરાજાએ મહાદેવનો અભિષેક કર્યો’ તેવી ભક્તિભાવના જોવા મળી હતી.









