પાકિસ્તાનના ‘સીક્રેટ બજેટ’ પર અમેરિકા નારાજ: સેના-ISIના ખર્ચનો હિસાબ માગ્યો

ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થા પર સવાલ

નવી દિલ્હી: આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન માટે અમેરિકાનો નવો અહેવાલ મુશ્કેલી વધારી શકે છે. અમેરિકાના ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ-2026માં પાકિસ્તાનની નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

અમેરિકાએ ખાસ કરીને પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISIના ખર્ચની વિગતો જાહેર કરવાની તથા તેને નાગરિક અને સંસદીય દેખરેખ હેઠળ લાવવાની જરૂરિયાત દર્શાવી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાન પોતાનો એક્ઝિક્યુટિવ બજેટ પ્રસ્તાવ સમયસર જાહેર કરતું નથી. સરકારી કંપનીઓના દેવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ નાણાકીય માહિતી પણ પૂરતી રીતે જાહેર કરવામાં આવતી નથી.

જૂન 2026માં પાકિસ્તાને આશરે રૂ.18.8 ટ્રિલિયનનું સંઘીય બજેટ રજૂ કર્યું હતું, જેમાં સંરક્ષણ માટે લગભગ રૂ.3 ટ્રિલિયન ફાળવવામાં આવ્યા છે. આ કુલ બજેટના આશરે 16 ટકા જેટલું છે.

પાકિસ્તાન આર્થિક મુશ્કેલીઓ વચ્ચે વિદેશી સહાયની પણ માંગ કરી રહ્યું છે. અહેવાલો મુજબ જુલાઈ 2026માં તેણે ચલણ સ્થિરતા માટે અમેરિકા પાસે 10 અબજ ડોલરની મદદ માંગી હતી.

અમેરિકાના આ વલણથી પાકિસ્તાન પર સૈન્ય ખર્ચ સહિતની નાણાકીય માહિતી વધુ પારદર્શક બનાવવાનું દબાણ વધી શકે છે. ભવિષ્યમાં વિદેશી સહાય મેળવવા માટે પાકિસ્તાને નાણાકીય જવાબદારી અને પારદર્શિતાના માપદંડો પૂરા કરવા પડી શકે છે.

Leave a Comment

और पढ़ें