ક્રૂડ, પામ ઓઈલ, પેકિંગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં કંપનીઓ ભાવ વધારવા તૈયાર
મુંબઈ: ક્રૂડ ઓઈલથી લઈને પામ ઓઈલ, ખાંડ અને પેકિંગ મટિરિયલના વધતા ભાવની અસર હવે રોજિંદા વપરાશની વસ્તુઓ પર જોવા મળી શકે છે. આગામી સમયમાં બિસ્કીટ, સાબુ, શેમ્પુ, કોસ્મેટિક્સ, કપડાં અને પગરખાં સહિતની વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે.
તહેવારોની સિઝન પહેલાં કેટલીક મોટી FMCG કંપનીઓ દ્વારા ઉત્પાદનોના ભાવમાં 3થી 4 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. કાચા માલ, પ્લાસ્ટિક, પેકિંગ અને પરિવહન ખર્ચ વધતાં કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે.
નાના પેકેટમાં ગ્રાહકો માટે ભાવ જાળવી રાખવા કેટલીક કંપનીઓ વજન ઘટાડવાનો વિકલ્પ અપનાવી શકે છે, જ્યારે મોટા પેકમાં સીધો ભાવ વધારો થવાની શક્યતા છે.
કાચા માલના વધતા ખર્ચને કારણે કંપનીઓ વેચાણનું પ્રમાણ જાળવી રાખવા ભાવ વધારો અને નવા પ્રોડક્ટ લોન્ચ જેવા વિકલ્પો અપનાવી રહી છે.
આ ભાવવધારાની સીધી અસર આગામી સમયમાં ગ્રાહકોના ઘરગથ્થુ બજેટ અને ખરીદશક્તિ પર પડી શકે છે.








