NEET પેપર લીકનું મોટું કૌભાંડ: અનેક રાજ્યો સુધી ફેલાયેલું નેટવર્ક ખુલ્યું

CBIની ચાર્જશીટમાં 13 આરોપી; 20 હજારથી વધુ પાનાના પુરાવા અને 360 સાક્ષીઓનો સમાવેશ

નવી દિલ્હી: NEET પેપર લીક કેસમાં CBIએ મોટો ખુલાસો કરતાં જણાવ્યું છે કે પેપર લીક કોઈ સામાન્ય ઘટના નહીં પરંતુ અનેક રાજ્યોમાં ફેલાયેલું સુનિયોજિત ષડયંત્ર હતું.

CBIએ 13 આરોપીઓ સામે 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. તેની સાથે 20 હજારથી વધુ પાનાના દસ્તાવેજો, 360 સાક્ષીઓ, 422 ડિજિટલ પુરાવા અને 43 ભૌતિક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

તપાસમાં પેપર સેટર, કોચિંગ ક્લાસ સંચાલકો, વચેટિયા અને એજન્ટોની કથિત સંડોવણી સામે આવી છે. બોટની, કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પેપર સેટર પણ કથિત નેટવર્કનો ભાગ હોવાનો દાવો ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે.

CBI મુજબ પેપર લીકની તૈયારી પરીક્ષાના ઘણા સમય પહેલાં શરૂ થઈ હતી. લીક થયેલા પ્રશ્નો વોટ્સએપ, ટેલિગ્રામ, PDF અને ફોટા મારફતે ફેલાવવામાં આવ્યા હતા.

તપાસમાં આરોપીઓના કોલ ડિટેલ, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવા પણ તપાસવામાં આવ્યા છે. ચાર્જશીટમાં પેપરની ખરીદી-વેચાણ માટે મોટી રકમના વ્યવહારો થયા હોવાનો ઉલ્લેખ છે.

ચાર્જશીટ મુજબ કેટલાક આરોપીઓએ પ્રશ્નો યાદ કરીને અલગ કાગળ પર લખ્યા હતા અને પ્રશ્નો કયા પુસ્તકોમાંથી લેવામાં આવ્યા હતા તેની પણ નિશાની કરી હતી.

જોકે, ચાર્જશીટમાં ટેકનિકલ ખામીઓ હોવાના કારણે દિલ્હી ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા તેને હજુ સત્તાવાર રીતે વંચાણે લેવામાં આવી નથી. તપાસ આગળ વધતાં કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें