જમીન સંપાદન, કોરોના અને ટેક્નિકલ પડકારોના કારણે વધ્યો ખર્ચ; 2027માં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન
નવી દિલ્હી: દેશના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ હવે અંદાજે રૂ. 2 લાખ કરોડની નજીક પહોંચી ગયો છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે રૂ. 1.08 લાખ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ વર્ષો સુધીના વિલંબને કારણે ખર્ચમાં મોટો વધારો નોંધાયો છે.
પ્રથમ તબક્કામાં સુરત-વાપી વચ્ચેની હાઈસ્પીડ સેવા ઓગસ્ટ 2027માં શરૂ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટ પાછળ રૂ. 91 હજાર કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને કુલ કામગીરીમાંથી આશરે 61 ટકા કામ પૂર્ણ થયું છે.
મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ, કોરોના મહામારી દરમિયાન બાંધકામ અને સપ્લાય ચેઇનની અસર, સમુદ્રની નીચે સુરંગ, નદીઓ પર પુલોનું નિર્માણ તેમજ 1,651થી વધુ યુટિલિટી શિફ્ટિંગ જેવા પડકારોએ પ્રોજેક્ટની ગતિ ધીમી કરી હતી.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત હાઈસ્પીડ રેલના નવા યુગમાં પ્રવેશ કરશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.








