મોરબીમાં ₹7.36 લાખની ચોરીનો પર્દાફાશ: એમપી ગેંગના બે આરોપી ઝડપાયા, ₹4.53 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી: મોરબીના આંદરણા ગામમાં થયેલી ₹7.36 લાખની રોકડ અને દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. એલસીબીએ મધ્યપ્રદેશની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ₹4.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ગેંગના અન્ય ત્રણ સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

17-18 જુલાઈ દરમિયાન કમલેશભાઈ બોરાણાના બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદ બાદ મોરબી તાલુકા પોલીસ અને એલસીબીએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી.

બાતમીના આધારે વાંકડા રોડ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા બે શંકાસ્પદ શખ્સોને ઝડપી પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંહ દેવકા અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકાની ધરપકડ કરી છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન સહિત કુલ ₹4.53 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ મોરબી જિલ્લામાં મજૂરી કામ કરતા હોવાથી સ્થાનિક વિસ્તારોની સારી જાણકારી ધરાવતા હતા. દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કર્યા બાદ પોતાના વતન મધ્યપ્રદેશથી અન્ય સાગરીતોને બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો.

પકડાયેલા બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें