DGP કમેન્ડેશન ડિસ્ક 110થી વધારી 148 કરાઈ, પ્રથમવાર સિવિલિયન સ્ટાફને પણ મળશે સન્માન
ગાંધીનગર: ગુજરાત પોલીસના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ દળના કર્મચારીઓ અને અધિકારીઓના ઉત્કૃષ્ટ યોગદાનને પ્રોત્સાહન આપવા વાર્ષિક એવોર્ડ સિસ્ટમમાં ઐતિહાસિક સુધારાની જાહેરાત કરી છે. રાજ્યમાં વધતી પોલીસ સંખ્યા અને નવી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110થી વધારી 148 કરવામાં આવી છે.
વર્ષ 2020થી શરૂ થયેલી આ એવોર્ડ વ્યવસ્થામાં હવે માત્ર ગુના શોધવાની કામગીરી જ નહીં, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાપન, વહીવટી કામગીરી, રમતગમતમાં સિદ્ધિ અને ચૂંટણી દરમિયાનની શ્રેષ્ઠ કામગીરીને પણ સન્માન માટે ધ્યાનમાં લેવામાં આવશે. એવોર્ડ માટેની લઘુત્તમ સેવા મર્યાદા 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે.
નવી વ્યવસ્થા હેઠળ પ્રથમ વખત જુનિયર-સિનિયર ક્લાર્ક, એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને અન્ય સિવિલિયન સ્ટાફ માટે ‘DGP કમેન્ડેશન રોલ’ શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે 10 સિવિલિયન કર્મચારીઓને આ સન્માન એનાયત કરવામાં આવશે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ યુનિટ, આર્મરર અને બેન્ડ સ્ટાફ જેવા વિશેષ યુનિટ્સને પણ હવે એવોર્ડ વ્યવસ્થામાં સ્થાન આપવામાં આવ્યું છે, જેથી દરેક શાખાના યોગદાનને યોગ્ય માન્યતા મળી શકે.
દર વર્ષે 15 ડિસેમ્બરે, ગુજરાત પોલીસને મળેલા પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ દિવસની યાદમાં DGP કમેન્ડેશન ડિસ્ક અને DGP કમેન્ડેશન રોલનું સન્માનપૂર્વક વિતરણ કરવામાં આવશે.
DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું કે ગુજરાત પોલીસના કોઈપણ કર્મચારી, અધિકારી અથવા સિવિલિયન સ્ટાફના અસાધારણ યોગદાનને હવે યોગ્ય રીતે ઓળખીને સન્માનિત કરવામાં આવશે, જેથી સમગ્ર પોલીસ દળનું મનોબળ વધુ મજબૂત બને.









