ભક્તની અનોખી ભેટથી શિરડીમાં ભક્તિનો માહોલ; નવગ્રહની કોતરણી અને અમેરિકન ડાયમંડથી સજ્જ મુગટે આકર્ષણ જમાવ્યું
શિરડી: દેશભરમાં આજે ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈબાબા મંદિર ખાતે એક ભક્તે અંદાજે ₹1 કરોડ કિંમતનો હીરા અને રત્નજડિત સુવર્ણ મુગટ અર્પણ કરી અનોખી ભક્તિ વ્યક્ત કરી હતી.
આ વિશિષ્ટ મુગટ પર નવગ્રહોની કલાત્મક કોતરણી કરવામાં આવી છે અને તેને અમેરિકન ડાયમંડ તથા કિંમતી રત્નોથી શણગારવામાં આવ્યો છે. ગુરુપૂર્ણિમાના શુભ અવસરે આ ભવ્ય મુગટ સાંઈબાબાની પ્રતિમાને ધારણ કરાવવામાં આવતા મંદિરનું આધ્યાત્મિક સૌંદર્ય વધુ નીખરી ઊઠ્યું હતું.
ગુરુપૂર્ણિમાને લઈને શિરડીમાં વહેલી સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. વિશેષ પૂજા-અર્ચના, કાકડ આરતી અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. ભક્ત દ્વારા અર્પણ કરાયેલા આ ભવ્ય મુગટે મંદિર પરિસરમાં આવેલા શ્રદ્ધાળુઓનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.









