શહેરના બુટલેગરો સામે PCBનો મેગા એક્શન: 1,344 બોટલ દારૂ જપ્ત, ત્રણ આરોપી સામે કાર્યવાહી

દમણથી આવતી યાકુબ મોટાણીની સપ્લાય ચેઇન તોડી; રામનાથપરામાં ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર અને હિસ્ટ્રીશીટર સપ્લાયર ઝડપાયા

રાજકોટ: શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યવાહી કરીને કુલ 1,344 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં દમણથી રાજકોટ સુધી ચાલતી બુટલેગર યાકુબ મોટાણીની સપ્લાય લિંક તોડી પાડવામાં આવી, જ્યારે રામનાથપરામાં ખુલ્લેઆમ દારૂ વેચતા બુટલેગર અને તેના સપ્લાયરને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

ચોક્કસ બાતમીના આધારે PCBએ ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં દરોડો પાડી કોસ્મેટિક્સના ખોટા બિલ હેઠળ મોકલાયેલ 1,104 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે અંદાજે ₹2.74 લાખનો દારૂનો જથ્થો કબજે કરી લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણી અને રાજકોટના રિસીવરની શોધખોળ શરૂ કરી છે.

બીજી કાર્યવાહીમાં PCBએ રામનાથપરા વિસ્તારમાં દરોડો પાડી ફિરોઝ સોઢાને તેના મકાનની બહારથી જ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા ઝડપી લીધો હતો. પોલીસે તેના કબજામાંથી 240 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

પૂછપરછ દરમિયાન ફિરોઝે દારૂનો જથ્થો હિસ્ટ્રીશીટર રાજેશ ઉર્ફે ભોપલો ચાવડા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. રાજેશ સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

PCBની આ ડબલ કાર્યવાહીને શહેરમાં દારૂના ગેરકાયદે નેટવર્ક સામે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હાલ પોલીસે સમગ્ર સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધુ વિસ્તારી દીધો છે.

Leave a Comment

और पढ़ें