નદીના કાંઠેથી 2,917 દારૂની બોટલો, 4,986 પાઉચ, ટ્રક અને બોલેરો પીકઅપ કબ્જે; બુટલેગરોની શોધખોળ તેજ
જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામે શેઠવડાળા પોલીસે મોટી કાર્યવાહી કરતાં ₹42.37 લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નદીના કાંઠે ખુલ્લા પટમાં દરોડો પાડી દારૂનો મોટો જથ્થો તેમજ હેરાફેરીમાં વપરાતા વાહનો કબ્જે કર્યા હતા. જોકે, મુખ્ય બુટલેગરો સહિત કોઈ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેઘપર આંબરડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન 2,917 ઇંગ્લિશ દારૂની બોટલો અને 4,986 દારૂના પાઉચ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાતો એક ટ્રક, એક બોલેરો પીકઅપ તેમજ ટ્રકમાં રહેલો બેન્ટોનાઇટ પાવડર સહિત કુલ ₹42.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ તેમજ ટ્રક અને બોલેરોના ચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
શેઠવડાળા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ દારૂના જથ્થાનો સ્ત્રોત અને સમગ્ર સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








