બાળકોને હાનિકારક ઓનલાઈન કન્ટેન્ટથી બચાવવા કાયદો અમલમાં; ઉંમર ચકાસણી હવે ફરજિયાત
પેરિસ: ફ્રાન્સની સંસદે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો મહત્વપૂર્ણ કાયદો પસાર કર્યો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સમર્થનથી લાવવામાં આવેલા આ કાયદાનો હેતુ બાળકોને સોશિયલ મીડિયા પરના હાનિકારક અને વ્યસનકારક કન્ટેન્ટથી સુરક્ષિત રાખવાનો છે.
આ નિર્ણય સાથે ઓસ્ટ્રેલિયા અને બ્રિટન બાદ ફ્રાન્સ આ પ્રકારનો કડક કાયદો અમલમાં મૂકનાર અને યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો છે. સ્થાનિક અહેવાલો મુજબ ટીનએજર્સ દરરોજ કલાકો સુધી ટિકટોક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય વિતાવતા હોવાથી માનસિક તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓમાં વધારો નોંધાયો છે.
નવા કાયદા મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ વપરાશકર્તાની સાચી ઉંમરની ચકાસણી માટે અસરકારક વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. નિયમોનું પાલન ન કરનાર પ્લેટફોર્મ સામે કાર્યવાહી થઈ શકે છે.
વાલીઓ અને બાળ આરોગ્ય નિષ્ણાતોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જોકે કેટલાક યુવાનો અને ડિજિટલ નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પ્રતિબંધ પૂરતો નથી. તેમના મતે ડિજિટલ સાક્ષરતા વધારવી, બાળકોને ઓનલાઈન સુરક્ષા અંગે શિક્ષિત કરવું અને સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાની ડિઝાઇન વધુ સુરક્ષિત બનાવવી પણ એટલી જ જરૂરી છે.









