રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 2027 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન સેક્શન શરૂ થશે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હકીકત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનું અંદાજે 80 ટકા બાંધકામ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. જો બધું આયોજન મુજબ ચાલશે તો વર્ષ 2027માં બુલેટ ટ્રેનનો પ્રથમ ઓપરેશનલ સેક્શન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે.
ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમીની OSAT સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે અશ્વિની વૈષ્ણવે પ્રોજેક્ટ અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં પ્રથમ હાઇ-સ્પીડ રેલ નેટવર્કને તબક્કાવાર શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને બાંધકામનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.









