સુરત જિલ્લાના બારડોલીમાં લોકાર્પણ પૂર્વે જ નવો બ્રિજ ધોવાઈ જતાં વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ભારે વરસાદમાં પુલના એપ્રોચ રોડને નુકસાન થતાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના નિર્માણના આક્ષેપો થયા છે.
રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદે માત્ર જનજીવન જ નહીં, પરંતુ માળખાકીય વિકાસના દાવાઓની પણ કસોટી કરી છે. સુરત જિલ્લાના બારડોલી અને અમરેઠમાં વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે, તેણે નવા બ્રિજ, રસ્તાઓ અને તેમના નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ 74 કરોડના ખર્ચે બનેલો બ્રિજ લોકાર્પણ પહેલાં જ ધોવાઈ ગયો, તો બીજી તરફ ડાયવર્ઝન માર્ગ પણ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે.
બારડોલીના હરિપુરા નજીક નિર્માણાધીન નવો બ્રિજ ભારે વરસાદમાં ધોવાઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ હજુ પૂર્ણતાના આરે હતો અને તેનું લોકાર્પણ થયું ન હતું, ત્યારે જ તેના એપ્રોચ રોડના ભાગમાં મોટું ધોવાણ થતાં કોંક્રીટના ઢગલા નજરે પડ્યા હતા. હાઈવેનો એપ્રોચ રોડ બેસી જતાં વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી છે. સ્થાનિકો અને વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી તે વરસાદની પહેલી જ કસોટીમાં નિષ્ફળ ગયો. આ ઘટનાએ ભ્રષ્ટાચારના આક્ષેપોને વેગ આપ્યો છે, જેમાં કેટલાક લોકો અધિકારીઓ અને ધારાસભ્યોની સંડોવણીની પણ વાત કરી રહ્યા છે.










