UAEમાં કર્ણાટકના યુવકની હત્યા, કારમાંથી 9 ટુકડામાં મૃતદેહ મળ્યો

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંદાપુરના રહેવાસી એલ્વિન પ્રકાશ કુંદરની UAEમાં કથિત હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, એલ્વિનનો મૃતદેહ 9 ટુકડામાં મળી આવ્યો હતો. જોકે, UAEની તપાસ એજન્સીઓ તરફથી આ મામલે સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

એલ્વિન છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરતો હતો. 20 જુલાઈએ તેના ભાઈ અનિલે ફોન કર્યો હતો, પરંતુ એલ્વિને ફોન ઉઠાવવાને બદલે મેસેજ કરીને તે ઠીક હોવાનું જણાવ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ, એલ્વિન સામાન્ય રીતે આ રીતે મેસેજ કરતો નહોતો.

ત્યારબાદ અનિલે શારજાહમાં રહેતા એલ્વિનના મિત્રનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન કંપનીના રેકોર્ડમાં એલ્વિન ભારત પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ અનિલે જણાવ્યું કે તે ભારત પહોંચ્યો જ નહોતો. બાદમાં પાસપોર્ટ રેકોર્ડની તપાસ કરતાં એલ્વિન શારજાહમાં જ હોવાનું સામે આવ્યું અને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી.

પરિવારના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન ઓમાન તરફ જતા માર્ગ પર એક કારમાંથી એલ્વિનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના 9 ટુકડા કરીને બે બેગમાં રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

એલ્વિનની પત્ની અને પુત્ર પણ હાલ સંપર્કમાં ન હોવાનું પરિવાર તરફથી જણાવાયું છે. જોકે, તેઓ ક્યાં છે અને આ સમગ્ર ઘટનામાં તેમની કોઈ ભૂમિકા છે કે નહીં તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

એલ્વિનના ભાઈ અનિલે ઉડુપીના પોલીસ અધિક્ષકને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હાલ પરિવાર UAEની તપાસ એજન્સીઓ પાસેથી સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યો છે. હત્યાનું કારણ અને આરોપીઓ અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Comment

और पढ़ें