ભયાનક ટર્બ્યુલન્સ વચ્ચે પાઈલોટે ત્રણ વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો: આખરે બીજા એરપોર્ટ પર કરાયું સુરક્ષિત લેન્ડિંગ
ઇસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ લેન્ડિંગ સમયે ભારે તોફાન અને ખતરનાક ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે ટ્યુનિસ-કાર્થેજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ મુશ્કેલ બનતાં વિમાન અનેક વખત જોરથી હલવા લાગ્યું હતું. આ દરમિયાન મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેબિનમાં ચીસો સંભળાઈ હતી.
આ ઘટના 10 સપ્ટેમ્બરની હોવાનું જણાવાઈ રહ્યું છે. ફ્લાઈટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી મુસાફર મરીના મૈસ્કાયાએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં મુસાફરો પોતાની સીટ પકડીને બેઠેલા જોવા મળે છે. વિમાન જોરથી હલતાં મુસાફરો બૂમો પાડતા પણ સંભળાય છે.
મરીના મૈસ્કાયાના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન સ્થિતિ સામાન્ય હતી, પરંતુ લેન્ડિંગ પહેલાં તોફાન વચ્ચે મુશ્કેલી શરૂ થઈ હતી. પાઈલોટે ટ્યુનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ માટે ત્રણ વખત પ્રયાસ કર્યો હતો. દરેક વખતે વિમાન ભારે ધ્રૂજતું હતું.
ત્રીજા પ્રયાસ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની હતી અને મુસાફરોને થોડા સમય માટે એવું લાગ્યું કે વિમાન અચાનક નીચે ધસી રહ્યું છે. જેના કારણે કેબિનમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આખરે ફ્લાઈટને ટ્યુનિસથી આશરે 60 માઈલ દક્ષિણે આવેલા એનફિધા-હમ્મામેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. ત્યાં વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.









