નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનના ભારત પ્રવાસને લઈને સસ્પેન્સ યથાવત છે. ભારતની યજમાનીમાં નવી દિલ્હીમાં 12 અને 13 ઓક્ટોબરે યોજાનારી વાર્ષિક BRICS સમિટમાં બાંગ્લાદેશની ભાગીદારીને લઈને પણ હવે ચર્ચા તેજ બની છે.
બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલુર રહેમાને મંગળવારે વડાપ્રધાન તારિક રહેમાનના ભારત પ્રવાસ અંગે કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકારોએ જ્યારે ભારત પ્રવાસ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે જવાબ ટાળ્યો હતો.
BRICSના આઉટરીચ સત્ર માટે આમંત્રણ
ભારતે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને BIMSTECના વર્તમાન અધ્યક્ષ તરીકે BRICS સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જોકે, તેઓ ભારત આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.
શેખ હસીનાના મુદ્દે સંબંધોમાં તણાવ
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારત દ્વારા રાજકીય આશ્રય આપવામાં આવ્યો હોવાના મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તારિક રહેમાનનો ભારત પ્રવાસ અને BRICS સમિટમાં બાંગ્લાદેશની હાજરીને લઈને અનિશ્ચિતતા વધી છે.
હવે સૌની નજર એ વાત પર છે કે બાંગ્લાદેશ BRICSના આઉટરીચ સત્રમાં હાજરી આપશે કે નહીં અને બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ભારત-બાંગ્લાદેશ સંબંધો કઈ દિશામાં આગળ વધશે.








