વોશિંગ્ટન: અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો ટેરિફ વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ કેનેડાએ પણ અમેરિકી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. હવે તેના જવાબમાં અમેરિકાએ કેનેડાથી શરાબ, ડેરી ઉત્પાદનો અને મોટરબાઈક સહિતની આયાત પર કડક પ્રતિબંધો લગાવ્યા છે.
કેનેડાના અનેક ઉદ્યોગોને મોટો ફટકો
અમેરિકાના નવા પગલાથી કેનેડાના ફર્નિચર, શરાબ, મચ્છીમારી અને ડેરી ઉદ્યોગ પર અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત નોન-આલ્કોહોલિક બીયરની આયાત પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકાએ કેનેડાની વિમાન કંપની બોમ્બાર્ડિયરને પણ ચેતવણી આપી છે કે જો કંપની અમેરિકી ઉત્પાદનોનો ઉપયોગ નહીં કરે તો તેના વિમાનોને અમેરિકામાં વેચવાની મંજૂરી આપવામાં નહીં આવે.
કેનેડામાં અમેરિકી ઉત્પાદનોનો બહિષ્કાર
ટ્રમ્પના પગલાં બાદ કેનેડામાં અમેરિકી ઉત્પાદનો, ખાસ કરીને અમેરિકી શરાબના બહિષ્કારની અસર જોવા મળી રહી છે. કેટલાક મોટા સ્ટોર્સે અમેરિકી શરાબનું વેચાણ બંધ કરી દીધું છે.
કેનેડાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ ભોગે અમેરિકાના ટેરિફનો સામનો કરશે. અમેરિકાના પ્રતિબંધોની અસર આશરે 20 બિલિયન ડોલરના વેપાર પર થવાની શક્યતા છે. બીજી તરફ કેનેડાએ અમેરિકાની અંદાજે 27.6 બિલિયન ડોલરની આયાત પર વધારાનો ટેરિફ લાદ્યો છે.
આના કારણે અમેરિકાના ડેરી ઉત્પાદનો, કૃષિ સાધનો, કાગળ, ઘરવપરાશની વસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર 15થી 50 ટકા સુધીનો ટેરિફ લાગુ થયો છે. બંને દેશો વચ્ચેનો આ વેપાર વિવાદ હવે ઉત્તર અમેરિકાના વેપાર સંબંધો માટે મોટો પડકાર બની રહ્યો છે.








