બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં ખાદ્ય સુરક્ષા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ સહિત વિવિધ ગોડાઉન અને દુકાનોમાં દરોડા પાડી રૂ. 1.38 કરોડનો એક્સપાયર્ડ અને ખોટા લેબલવાળો ખાદ્યસામાન જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે સંગ્રહિત રૂ. 4.02 લાખની દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો.
ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં એમેઝોનના દેવનાહલ્લી અને અનેકલના ગોડાઉનમાંથી રૂ. 56 લાખનો એક્સપાયર્ડ તથા ખોટા લેબલવાળો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ સેન્ટર બંધ કરાયું
હોસ્કોટે વિસ્તારમાં આવેલા સ્વિગી ઇન્સ્ટામાર્ટના સેન્ટરમાં તપાસ દરમિયાન રૂ. 42 લાખનો વાસી ખોરાક મળી આવ્યો હતો. કેન્દ્રમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ અને અત્યંત અસ્વચ્છ સ્થિતિ જોવા મળતાં અધિકારીઓએ તેને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું હતું.
આ ઉપરાંત સ્થાનિક દુકાનો અને આઉટલેટ્સમાં પણ તપાસ કરવામાં આવી હતી. ‘સપ્તાહ બજાર’ સ્ટોરમાંથી એક્સપાયર થયેલા કાજુ બિસ્કિટ, લોટ, ચિકન, પનીર, ઇંડા અને કૂકીઝ સહિતનો સામાન જપ્ત કરાયો હતો.
રૂ. 1.43 કરોડની કુલ જપ્તી
લિંગરાજપુરમના ‘લિયો 7 એન્ટરપ્રાઇઝ’ નામના રિટેલર પાસેથી મુદત પૂરી થયેલો અથવા એક્સપાયરીની નજીકનો સામાન મળી આવતા સમગ્ર પરિસરને સીલ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યવાહીમાં રૂ. 33 લાખનો ખોટા લેબલવાળો ખોરાક અને રૂ. 1.05 કરોડનો મુદતપૂરો ખાદ્યસામાન મળી કુલ રૂ. 1.38 કરોડની ખાદ્યસામગ્રી જપ્ત થઈ છે. દવાઓની જપ્તી સાથે કુલ જપ્તીનો આંકડો રૂ. 1.43 કરોડ સુધી પહોંચ્યો છે.








