નવી દિલ્હી: વૈશ્વિક કમોડિટી બજારમાં ઔદ્યોગિક ધાતુઓ અને ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને તાંબાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચતાં આગામી તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઘરેલું ઉપકરણો મોંઘા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લંડન મેટલ એક્સચેન્જ (LME) પર તાંબાનો ત્રણ મહિનાનો ફ્યુચર્સ ભાવ 14,617 ડોલર પ્રતિ ટનની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. આ અગાઉનો 14,533 ડોલર પ્રતિ ટનનો રેકોર્ડ પણ તૂટ્યો છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે.
ભારતમાં પણ તાંબાના ભાવમાં જોરદાર ઉછાળો
ભારતીય વાયદા બજાર MCX પર તાંબાના ભાવ છેલ્લા બે મહિનામાં 18 ટકાથી વધુ વધીને રૂ. 1,408 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સાથે જ સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવ ચાર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. ઓટોમોબાઇલ ક્ષેત્રની વધતી માંગને કારણે હોટ-રોલ્ડ કોઇલ સ્ટીલનો ભાવ પણ રૂ. 62,000 પ્રતિ ટનને પાર ગયો છે.
કાચા માલના ભાવમાં વધારાથી મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ 10 ટકા સુધી વધ્યો હોવાનું જણાવાય છે. તેના પરિણામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ભાવમાં પણ વધારો થયો છે અને તહેવારો દરમિયાન ગ્રાહકો પર વધુ આર્થિક બોજ પડવાની શક્યતા છે.
તાંબાના ભાવમાં તેજીના મુખ્ય કારણો
સપ્લાય-ડિમાન્ડનું અસંતુલન: ચિલી સહિતના મોટા ઉત્પાદક દેશોમાં સપ્લાય પર અસર પડી છે. જૂની થતી ખાણો અને કાંગોમાંથી તાંબા-કોબાલ્ટ કન્સન્ટ્રેટની નિકાસ સંબંધિત નિયંત્રણોને કારણે વૈશ્વિક પુરવઠા પર દબાણ વધ્યું છે.
AI અને નવી ટેક્નોલોજીની વધતી માંગ: ઇલેક્ટ્રિફિકેશન, રિન્યુએબલ એનર્જી, પાવર ગ્રીડ, EV અને AI ડેટા સેન્ટર્સમાં તાંબાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તેની માંગ વધી રહી છે.
અમેરિકન ટેરિફ અને સંગ્રહખોરી: રિફાઇન્ડ કોપર પર અમેરિકન ટેરિફ વધવાની આશંકા ઉપરાંત અમેરિકા અને ચીનમાં વધતી ખરીદી તથા સ્ટોક જમા કરવાની પ્રવૃત્તિએ પણ ભાવને ટેકો આપ્યો છે.
ભૂ-રાજકીય તણાવ: પર્શિયન ગલ્ફ અને હોર્મુઝ વિસ્તારમાં વધેલા તણાવને કારણે દરિયાઈ માર્ગે કાચા માલના પરિવહન પર અસર પડી રહી છે. તેના કારણે ક્રૂડ ઓઇલ સહિત વિવિધ મેટલ્સના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.








